ત્રણ બહેનોનો એકનો એક ભાઈ મર્યા પછી થઈ ગયો અમર,જાણો હૃદયદ્રાવક કહાની…

0
192

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં રહેતા મેહુલ પરમાર નામના યુવકે ઘણા સપના જોયા હતા.12મી ડિસેમ્બરે જ તેની સગાઈ થઈ હતી અને તેની ત્રણ બહેનો લગ્નની તૈયારી કરી રહી હતી, જે આવતા વર્ષે લેવાના હતા.પરંતુ ભાગ્યએ કંઈક અલગ જ લખ્યું હતું.બીજા જ દિવસે મેહુલ પરમારનો અકસ્માત થયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ડોકટર્સ દ્વારા બ્રેઇનડેડ જાહેર થયેલ મેહુલ પરમારે 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું.હવે જિંદાદિલ મેહુલનું હ્યદય ગ્રીનકોરિડોર મારફતે સોલાની ખાનગી હોસ્પિટલ પહોંચ્યું હવે આ હૃદય 21 વર્ષના યુવકમાં ધબકશે.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી. નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો.બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો.આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતો.હંમેશા બીજાની વ્હારે અને મદદે જનારા મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી.

પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શુ થવાનું છે.મેહુલ જીવનમાં હજૂ તો પોતાની પ્રિયતમાનો હાથ હાથમાં લઇને સજોડે ડગ માણીને સાંસારિક જીવનની શરૂઆત કરવાની હતી.પણ તે પહેલા જ તે કાળનો કોળિયો બની ગયો. 13 ડિસેમ્બરે તલોદ રોડ પર અકસ્માત થતા મેહુલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.

મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue Transplant Organisation) ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.બ્રેઇનડેડ થયેલા મેહુલભાઈના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે.
મેહુલના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે.અંગદાન વિશેની સમગ્ર વિગતો આપતા ડૉ.રાકેશ જોષી કહે છે કે સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 355 દિવસમાં હોસ્પિટલમાં 24 અંગદાનમાં સફળતા મળી છે.અત્યારસુધીમાં 24 વ્યક્તિઓના 81 અંગોના દાન થકી 68 વ્યક્તિઓને નવજીવનન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક અંગદાનની જાગૃકતા અને સફળતા માટે કામગીરી કરી રહી છે. જેના પરિણામે આજે સમગ્ર શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધાર થઇ રહ્યો છે. આજે બ્રેઇન ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી કરી રહ્યા છે.