ધ કપિલ શર્મા શો માં કામ કરી ચૂકેલા આ કોમેડિયને આર્થિક તંગી ને પરિવારના ઝઘડાથી કંટાળીને પીધું ઝેર….

0
67

બોલિવૂડ એક્ટર નાના પાટેકરની મિમિક્રી કરવા માટે પ્રખ્યાત કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના કારણે તીર્થાનંદે આ પગલું ભર્યું હતું. જોકે, પડોશીઓને સમયસર આ ઘટના વિશે જાણ થઈ જતા તીર્થાનંદનો જીવ બચી ગયો હતો. અહેવાલો અનુસાર, તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર પી લીધું હતું. તેઓ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે અનેક જુનિયર આર્ટિસ્ટ બેકાર થઈ ગયા છે. આ આર્ટિસ્ટને આશા હતી કે કદાચ હવે પરિસ્થિતિ ઠીક થઈ જશે. જોકે, કોરોનાના વધતા કેસને કારણે આ આશા પર પાણી ફરી વળ્યું છે. આર્થિક સ્થિતિથી તંગ આવીને કલાકારે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે, ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી સક્રિય એક્ટર તીર્થાનંદ રાવને નાના પાટેકરનો લુકઅલાઇક પણ કહેવામાં આવે છે.

તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર ખાઈને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસના લોકોને આની જાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. તીર્થાનંદ ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો અને હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.તીર્થાનંદે કહ્યું હતું, ‘હા મેં ઝેર ખાધું હતું અને હું ગંભીર હતો. આર્થિક તંગી તથા પરિવારે સાથ છોડતાં હું કંટાળી ગયો છું. હું હોસ્પિટલમાં રહ્યો પરંતુ મારા માતા ને ભાઈ મને જોવા સુદ્ધા ના આવ્યા. અમે એક જ કોમ્પ્લેક્સમાં રહીએ છીએ.

છેલ્લાં 15 વર્ષથી પરિવાર મારી સાથે વાત કરતો નથી. મારી સારવાર પાછળ પણ એક રૂપિયો ખર્ચ કર્યો નથી. મારી પર દેવું છે. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ પણ હું એકલો જ છું. આનાથી વધુ ખરાબ શું હોઈ શકે. માતાએ આજ સુધી મને હું જમ્યો કે નહીં તેવું પૂછ્યું નથી. મેં લગ્ન કર્યા હતા. મારી પત્ની ડાન્સર હતી. અમારે એક દીકરી હતી. જોકે, મારી પત્નીએ બીજા લગ્ન કર્યા છે. દીકરીના પણ લગ્ન થઈ ચૂક્યા છે. હવે તેમની સાથે કોઈ સંપર્ક રહ્યો નથી. સુસાઇડ જેવું પગલું ભર્યા બાદ તીર્થાનંદે કહ્યું હતું, ‘હું મારા પરિવાર તથા કામની વચ્ચે ફસાઈ ગયો છું.

મને ખબર નથી પડતી કે હું આમાંથી કેવી રીતે બહાર આવું. કામ પણ બંધ છે અને ઘરમાં એકલતા છે. આથી જ મેં આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસ, ડૉક્ટર્સ તથા મિત્રોના સમજાવ્યા બાદ હવે ક્યારેય આવું કરીશ નહીં. હિંમત હારીશ નહીં. જ્યારે હું બેહોશ હતો ત્યારે ડૉક્ટરે પોલીસને પણ ફોન કર્યો હતો. પોલીસ પણ મારા ઘરના લોકોના વર્તનથી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેમણે મને એમ કહ્યું હતું કે વિશ્વાસ નથી થતો કે આ લોકો તારા સગા છે. મેં પોલીસની માફી માગી છે. હવે ઈચ્છું છું કે મને કામ મળે અને મારા પેશનને ફોલો કરું.’વધુમાં તીર્થાનંદે કહ્યું હતું, ‘હું વિરારનો છું. મને એક્ટિંગનો શોખ હતો અને છેલ્લાં 15 વર્ષથી એક્ટિંગ કરું છું.

આ કામે મને ઘણું બધું આપ્યું છે. બ્રાન્ડેડ કપડાં, ટ્રાવેલિંગ, સારા પૈસા બધું જ, પરંતુ હું અત્યારે પાછો ઝીરો થઈ ગયો છું. મેં આઠ અલગ અલગ ભાષામાં કામ કર્યું છે. મને ઇન્ડસ્ટ્રીમાં નાના પાટેકરનો લુકઅલાઇક કહેવામાં આવે છે. હું તેમની મિમિક્રી કરતો હતો તો મારી ઇમેજ પણ નાના પાટેકરની ડુપ્લીકેટ બની ગઈ. હાલમાં જ મારી એક ફિલ્મ રિલીઝ થઈ. મેં પોલીસનો રોલ ભજવ્યો છે. મારા કામના વખાણ થયા છે, પરંતુ વખાણથી પેટ ભરાતું નથી. પ્રોડ્યૂસર્સે પૈસા જ આપ્યા નથી.

નાનકડાં ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ કરી હતી. તેના પણ પૈસા નથી મળ્યા.તીર્થાનંદે આગળ કહ્યું હતું કે ‘કોમેડી સર્કસ’ના ‘અજુબા’માં કામ કર્યું છે. અહીંયા તેણે શ્વેતા તિવારી, કપિલ શર્મા સાથે કામ કર્યું હતું. 2016માં કપિલના શોના કેટલાંક એપિસોડમાં કામ કર્યું હતું. તે સમયે કપિલ તથા સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કપિલે એક કેરેક્ટર માટે કૉલ કર્યો હતો. જોકે, તે સમયે ગુજરાતી ફિલ્મ કરતો હતો. વર્ક કમિટમેન્ટને કારણે કપિલના શોમાં કામ કરી શક્યો નહીં. હવે તબિયત ઠીક થઈ જશે ત્યારે કપિલ પાસે કામ માગવા જઈશ.