પુરુષોત્તમ માસ માં કરી લો આ 4 શ્લોકો નો જાપ,મળશે શ્રીમદ્દભાગવત ગીતા વાંચ્યા જેટલો લાભ…..

0
146

આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત,રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે.આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે.ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે ” આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે ”

આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે.

તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો? ઈશ્વરને જ ને? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે ‘ હે ઈશ્વર મને મદદ કરજે” અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે”આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો” મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછે કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ.

અધિક માસમાં તમે આ 4 શ્લોકોનો જાપ કરીને ઘણું પુણ્ય મેળવી શકો છો, શ્રીમદ્દભાગવત કથાના લાભ. આ સમયે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જો પુરુષોત્તમ માસમાં શ્રીમદ્દભાગવતનો રોજ પાઠ કરવામાં આવે, તો પાઠ કરવાનું અનંત પુણ્ય મળે છે. એવી પણ માન્યતા છે કે, શ્રીમદ્દભાગવતનો રોજ પાઠ ન કરી શકવા પર જો 4 ખાસ શ્લોકનો જાપ કરવામાં આવે, તો પણ શ્રીમદ્દભાગવતના પાઠનું સંપૂર્ણ ફળ મળે છે. એટલા માટે આ ચાર મંત્રોને ચતુઃશ્લોકી ભાગવત મંત્ર પણ કહેવામાં આવે છે.

આ ચાર મંત્ર સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ બ્રહ્માને સંભળાવ્યા હતા. ત્યારબાદ બ્રહ્માએ નારદમુનિને સંભળાવ્યા, પછી નારદમુનિએ આ ચતુઃશ્લોકી ભાગવત મંત્ર વેદ વ્યાસજીને સંભળાવ્યા હતા. ત્યારબાદ આ જ ચતુઃશ્લોકી ભાગવત મંત્રની મદદથી વ્યાસજીએ 18 હજાર શ્લોકોના શ્રીમદ્દભાગવત મહાપુરાણનું રચના કરી. એવું પણ માનવામાં આવે છે કે, અધિક માસ અથવા પુરુષોત્તમ માસમાં આ ચતુઃશ્લોકી ભાગવત મંત્રનો પાઠ કરવાથી બધા પાપનો નાશ થઈ જાય છે.

આ છે ભગવાન વિષ્ણુના મુખમાંથી નીકળેલા 4 શ્લોક કે મંત્ર :

1. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ,પશ્ચાદહં યદેતચ્ચ યોડવશિષ્યેત સોડસ્મ્યહમ.2. ઋતેદર્થં યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ,તદવિદયાદાત્મનો માયાં યથાડડભાસો યથા તમ:3. યથા મહાન્તિ ભૂતાની ભૂતેષૂચ્ચાવચેષ્વનુ, પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ.4. એતાવદેવ જિજ્ઞાસ્યં તત્ત્વજિજ્ઞા સુનાડડત્મનઃ,અન્વયવ્યતિરેકાભ્યાં યત સ્યાત સર્વત્ર સર્વદા.

આવી રીતે કરો જાપ :આ ચતુઃશ્લોકી ભાગવત મંત્રનો જાપ કરવા માટે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી, ભગવાન વિષ્ણુની મૂર્તિને જળ, પુષ્પ, ફળ અને મીઠાઈ અર્પણ કરીને તેમની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી આ ચતુઃશ્લોકી ભાગવત મંત્રનો જાપ કરવો જોઈએ.

અધિક માસ હંમેશાં ચૈત્રથી આસો માસ દરમિયાન જ આવી શકે છે. સાધારણ રીતે કારતકથી ફગણ વચ્ચે અધિક માસ આવતો નથી. આમ છતાં ઘણા વર્ષોમાં ક્યારેક (જવલ્લે જ) અધિક ફગણ આવી શકે છે, પરંતુ કારતકથી મહા સુધીના ચાર મહિના (કારતક, માગશર, પોષ અને મહા) કદાપિ અધિક માસ તરીકે આવતા નથી.

અધિક માસ દરમિયાન કરવાના કાર્ય

ઇષ્ટદેવની ભક્તિ વિશેષ કરવી.વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ દરરોજ કરવો.પવિત્ર યાત્રાધામની મુલાકાત લેવી.જળાશયના વિકાસ તથા શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરવા જોઇએ.ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોવાથી તુલસીના છોડના જતન તથા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો.પોતાના આરોગ્યની જાળવણી માટે તુલસીનો વિશેષ ઉપયોગ વિવિધ પ્રકારે કરવો.સાત્વિક તથા ધાર્મિક સાહિત્યનું વાંચન કરવું.જનસેવા એ પ્રભુસેવા સમજીને જરૂરિયાતવાળા લોકોને શક્ય હોય તે રીતે મદદ કરવી.