ગુજરાતના કમોસમી વરસાદની આગાહી, આ તારીખથી પડશે વરસાદ..

0
401

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી 8 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પગલે ગુજરાતમાં કમોમસી વરસાદ પડશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવા સૂચન આપી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના અનેક વિસ્તારોમાં 5 જાન્યુઆરીથી કમોસમી વરસાદની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કાલે એટલે 5 તારીખથી 8 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે હવે આ કમોસમી વરસાદના સમાચારને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.થોડા દિવસોથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનને કારણે ઠડીનું જોર વધ્યું હતું. તેમ છતાં શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતા ઠંડીમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે.

જ્યારે હવે આગામી બેથી 3 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં 4 થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.તેની સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે જીરુ, વરિયાળી, શાકભાજી અને બાગાયતી પાકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ 3 અને 7 જાન્યુઆરીના રોજ અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

નોંધનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો. જોકે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ, ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જયારે હવે સતત બીજા વર્ષે પણ આ જ સમયગાળામાં કમોસમી વરસાદ થવાની શક્યતા હોવાથી ખેડૂતોની સાથે ખેતીપાકમાં મોટું નુકશાન થઈ શકે છે.છેલ્લા થોડા દિવસો અગાઉ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનની શરૂ થવાની સાથે શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમ છતાં હવે ધીમે-ધીમે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. પરંતુ 8 જાન્યુઆરીથી ફરીથી ઠંડી વધવાની શક્યતા રહેલી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પણ કેટલાક વિસ્તારો છે જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવનો ફુંકાવવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ફરી એકવાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા માટે ખુલ્લામાંથી પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં હવામાન વિભાગે 5 જાન્યુઆરીએ વરસાદનું અનુમાન કર્યું છે.