ગરબાના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર, આવનાર 2 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે હળવાથી ભારે વરસાદ….

0
188

આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું શરુ થયું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ખાસ વરસાદ ના થતાં રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સપ્ટેમ્બરથી રાજ્યમાં ચોમાસાનું જોર વધ્યું હતું. આખો સપ્ટેમ્બર મહિનો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ઓક્ટોબરની શરુઆતમાં જ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેવાનું શરુ કર્યું હતું. જોકે, જતાં-જતાં પણ ચોમાસુ પોતાની અસર બતાવી રહ્યું છે, જેના કારણે હજુય છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.ગયા વર્ષે કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી નહોતી થઈ શકી. આ વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને ક્લબોમાં તો ગરબાને મંજૂરી નથી જ અપાઈ. જોકે, સોસાયટીઓમાં મોટાપાયે ગરબાના આયોજન થઈ ચૂક્યા છે. સરકારે પણ રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ નવરાત્રીમાં વરસાદ વિલન બનશે કે કેમ તેવો ડર ખેલૈયાઓને સતાવી રહ્યો છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં શુક્રવારે સુરત-તાપી-ડાંગ-નવસારી- વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-ગીર સોમનાથ-જુનાગઢ-દીવમાં અને શનિવારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદપડી શકે છે.

જો કે, આગામી રવિવારથી વરસાદની સંભાવના નહિવત છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી થઇ જતાં લોકો ગરમીથી અકળાયા હતા. જોકે, બપોર બાદ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આવતીકાલે હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. જો કે, રવિવારથી વરસાદની સંભાવના નથી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલુ એન્ટીસાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ થવાની સંભાવનાઓ સેરવાઈ રહી છે. આ સર્ક્યુલેશનના લીધે ગુજરાતના ઘણાં ભાગોમાં ચોમાસું વિદાય પણ લેશે. આ સિવાય રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને દિલ્હીમાંથી પણ ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં 11 મી ઓક્ટોબર સુધી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, નર્મદા, ભરુચ, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ અને દિવ દમણ તથા દાદરા,નગર હવેલીમાં હળવો વરસાદ નોંધાય તેવી વકી કરવામાં આવી છે. વરસાદની સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 10 અને 11મી તારીખ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની થવાની પૂરે પૂરી સંભાવના સેરવાઈ રહી છે.